ગુજરાતમાં નશાના કારોબાર સામે સુરક્ષા એજન્સીઓ સતત કડક કાર્યવાહી કરી રહી છે. આવી જ એક મોટી કાર્યવાહી દરમિયાન ગુજરાત ATS (Gujarat ATS) અને વલસાડ SOG (Valsad SOG) ની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી વલસાડ જિલ્લાના કુંતા ગામમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાંથી કરોડોના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે અંદાજે ₹71 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ અને શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કર્યો છે.
સરી ગામથી મળી હતી ગુપ્ત બાતમી
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સરી ગામ વિસ્તારમાં મોટા પાયે ડ્રગ્સનું વેચાણ અને સપ્લાયિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે ATS અને સ્થાનિક SOG ટીમે કુંતા ગામમાં આવેલ ભંગારના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન ગોડાઉનની ઓફિસમાંથી 2 કિલોથી વધુ પ્રતિબંધિત ડ્રગ્સ અને આશરે 600 ગ્રામ જેટલો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ પદાર્થ પણ નશીલા કેમિકલ્સ સાથે જોડાયેલો હોવાની આશંકા છે.
બે આરોપીઓ ઝડપાયા
આ સમગ્ર કેસમાં પોલીસે સ્થળ પરથી જ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હાલ બંને આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સ કયા નેટવર્ક સાથે જોડાયેલું હતું અને તેનો સપ્લાય રાજ્યના કયા વિસ્તારોમાં થવાનો હતો.
FSL તપાસથી થશે મોટો ખુલાસો
જપ્ત કરાયેલા ડ્રગ્સની ચોક્કસ ઓળખ અને તેની શુદ્ધતા જાણવા માટે FSL (Forensic Science Laboratory) ની મદદ લેવામાં આવી છે. નમૂનાઓની તપાસ બાદ વિગતવાર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ રેકેટ પાછળ વધુ મોટા નેટવર્કના તાર જોડાયેલા હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ ATS નું અભિયાન તેજ
તાજેતરના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સના કેસોમાં વધારો જોવા મળતા ATS અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વલસાડમાં થયેલી આ કાર્યવાહી રાજ્યમાં નશાના કારોબાર સામે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.