ભારતના સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્રને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના Centre for WTO Studies દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, જો મૂલ્યાંકન હેઠળની આયાત પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવામાં આવે તો ભારત દર વર્ષે અંદાજે ₹28,540 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે.
સ્થાનિક રોકાણમાં આવશે મોટો વધારો
અહેવાલ અનુસાર આ પગલાથી દેશમાં આશરે ₹70,000 કરોડના સ્થાનિક રોકાણને વેગ મળશે. ખાસ કરીને કેમિકલ્સ, ટેક્સટાઈલ, પોલિમર્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સ્થાનિક ઉદ્યોગોને તેનો સીધો લાભ મળી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે વિદેશી ડમ્પિંગના કારણે સ્થાનિક ઉદ્યોગો પર વધી રહેલો દબાણ ઘટાડવા માટે આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે.
MSME અને રોજગારી માટે મોટી રાહત
સસ્તી આયાતને કારણે ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME મુશ્કેલીમાં મુકાયા છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો 2030 સુધીમાં લાખો કરોડનું આર્થિક નુકસાન થઈ શકે છે.
હાલમાં લગભગ 24 હજાર નોકરીઓ જોખમમાં હોવાનું જણાવાયું છે, જે ભવિષ્યમાં વધીને 40 હજારની આસપાસ પહોંચી શકે છે.
ફુગાવા પર નહીં પડે મોટી અસર
અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી મોંઘવારીમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી. અભ્યાસ અનુસાર ગ્રાહક કિંમતો પર તેની અસર સરેરાશ માત્ર 0.023 ટકા જેટલી રહી શકે છે.
આથી સામાન્ય ગ્રાહકોને મોટો બોજો નહીં પડે, પરંતુ સ્થાનિક ઉદ્યોગોને વાજબી સ્પર્ધા મળશે.
ભારત આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ આગળ વધી રહ્યું છે
અહેવાલમાં જણાવાયું છે કે ભારત દ્વારા લાગુ થતી એન્ટી-ડમ્પિંગ ડ્યુટી સંપૂર્ણપણે World Trade Organization ના નિયમો મુજબ છે. અમેરિકા અને ચીન જેવા દેશોની સરખામણીમાં ભારત હજુ પણ ઓછી અને મર્યાદિત ડ્યુટી લાગુ કરે છે.
‘વિકસિત ભારત’ માટે મહત્વપૂર્ણ પગલું
નિષ્ણાતોનું કહેવું છે કે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને સુરક્ષિત રાખવા અને વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે આ પ્રકારની નીતિઓ અત્યંત જરૂરી છે. જો DGTR દ્વારા ભલામણ કરાયેલી ડ્યુટીનો ઝડપથી અમલ કરવામાં આવે તો ભારતીય અર્થતંત્રને લાંબા ગાળે મોટો લાભ મળી શકે છે.