Quetta Blast : પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર આત્મઘાતી હુમલો, 23નાં મોત

પાકિસ્તાનના ક્વેટા શહેરમાં રવિવારે સવારે થયેલા ભયાનક આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ચામન ફાટક નજીક જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવીને કરાયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે, જ્યારે 53થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA) ની મજીદ બ્રિગેડે સ્વીકારી છે. આતંકીઓએ દાવો કર્યો છે કે ટ્રેનમાં પાકિસ્તાની સેનાના જવાનો મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે આગમાં બળી ગઈ હતી.

ટ્રેનની બોગી આગની લપેટમાં

વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ. આસપાસના મકાનોની દીવાલો તૂટી પડી અને નજીક ઉભેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, વિસ્ફોટ પછી લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. બચાવ ટીમોએ અનેક ઘાયલોને કાટમાળ અને આગ વચ્ચેથી બહાર કાઢ્યા હતા.

BLA એ સ્વીકારી હુમલાની જવાબદારી

બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જીયંદ બલૂચે નિવેદન આપીને કહ્યું કે આ હુમલો પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મજીદ બ્રિગેડના આત્મઘાતી હુમલાખોરે ટ્રેન નજીક પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

હુમલા બાદ ક્વેટામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ, રેન્જર્સ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે હુમલાખોરને આટલી સુરક્ષિત જગ્યાએ પ્રવેશ કેવી રીતે મળ્યો.

હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ઘાયલોમાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની ભીતિ વ્યક્ત કરી છે.

પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલ

આ હુમલા બાદ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા ફરી ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકી હુમલાઓમાં વધારો નોંધાયો છે. ક્વેટામાં થયેલો આ હુમલો સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment