IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની મહા ફાઇનલનો રોમાંચ શરૂ થઈ ગયો છે. ટાઇટલ માટેની આ નિર્ણાયક મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને છે. મેચ પહેલા યોજાયેલા ટોસમાં RCBના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સ પહેલા બેટિંગ કરશે.
ખિતાબ સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર પણ નજર
આજની ફાઇનલ માત્ર IPL ટ્રોફી માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. બંને ટીમોના અનેક ખેલાડીઓ વ્યક્તિગત એવોર્ડ જીતવાની રેસમાં સામેલ હોવાથી ક્રિકેટ ચાહકોની નજર આ મુકાબલા પર ટકેલી છે.
બંને ટીમો બીજા ટાઇટલની શોધમાં
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ બંને પોતાની બીજી IPL ટ્રોફી જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા છે. લીગ તબક્કાથી જ બંને ટીમોએ સતત શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે સિઝનની અંતિમ મેચમાં ફરી એકવાર સામસામે આવી છે.
RCBની સંભવિત પ્લેઇંગ ઇલેવન
RCB તરફથી વિરાટ કોહલી, રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓ પર મોટી જવાબદારી રહેશે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ માટે શુભમન ગિલ, સાઈ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓ મેચનું ચિત્ર બદલી શકે છે.
વિજેતા ટીમને મળશે ₹20 કરોડ
IPL 2026ના ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. વિશ્વના સૌથી મોટા T20 ક્રિકેટ ટૂર્નામેન્ટની આ ફાઇનલમાં કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર અમદાવાદ પર ટકેલી છે.
હવે સૌની ઉત્સુકતા એ બાબત પર છે કે ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ઉભો કરે છે કે પછી RCBની બોલિંગ યુનિટ તેમને રોકવામાં સફળ રહે છે.