ભારતના ચૂંટણી પંચ (Election Commission) ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. બિહારમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે અને તે લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું કોઈ ઉલ્લંઘન કરતી નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે SIR પ્રક્રિયાનું મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનું અને દેશમાં મુક્ત તથા ન્યાયી ચૂંટણીઓને વધુ મજબૂત બનાવવાનું છે.
શું છે આખો મામલો?
NGO ‘Association for Democratic Reforms (ADR)’ સહિત અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓએ બિહારમાં શરૂ કરાયેલી SIR પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અરજદારોનું કહેવું હતું કે આ પ્રક્રિયા દ્વારા મતદારોના અધિકારોને અસર થઈ શકે છે.
પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ચૂંટણી પંચને બંધારણની કલમ 324 અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 હેઠળ આવી પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ અધિકાર છે.
કોર્ટે 3 મુખ્ય મુદ્દાઓ પર કર્યું વિશ્લેષણ
ચીફ જસ્ટિસે પોતાના ચુકાદામાં ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કર્યો:
- શું ચૂંટણી પંચ પાસે SIR જેવી પ્રક્રિયા હાથ ધરવાનો અધિકાર છે?
- શું SIRનો હેતુ કાયદેસર અને બંધારણીય છે?
- શું SIR પ્રક્રિયા લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કરે છે?
કોર્ટે ત્રણેય મુદ્દાઓમાં ચૂંટણી પંચના પક્ષમાં નિર્ણય આપ્યો.
મતદાર યાદીની ચોકસાઈ જરૂરી : સુપ્રીમ કોર્ટ
કોર્ટે જણાવ્યું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી માત્ર મતદાન સુધી મર્યાદિત નથી, પરંતુ મતદાર યાદીની વિશ્વસનીયતા અને ચોકસાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં મોટા પ્રમાણમાં નામ ઉમેરાયા અને કાઢી નાખાયા છે, સાથે જ શહેરીકરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ વધી છે. તેથી મતદાર યાદીનું વિશેષ સુધારણું જરૂરી બન્યું છે.
નાગરિકતા મુદ્દે પણ સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ કોઈપણ વ્યક્તિની નાગરિકતા અંગે અંતિમ નિર્ણય લઈ શકતું નથી. પંચ માત્ર મતદાર યાદીમાં સમાવેશ કે બાકાત રાખવા માટે પ્રાથમિક તપાસ કરી શકે છે.
જો કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે શંકા હોય તો અંતિમ તપાસ અને નિર્ણય કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
SIR પ્રક્રિયા દેશભરમાં ચાલુ રહેવાનો રસ્તો સાફ
આ ચુકાદા બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ SIR પ્રક્રિયા આગળ વધારવાનો માર્ગ ખુલ્લો થયો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદાર યાદીની શુદ્ધતા અને વિશ્વસનીયતા લોકશાહીના મજબૂત આધારસ્તંભ છે.