કોલકાત્તા:
દક્ષિણ કોલકાત્તાની જાણીતી સરકારી લૉ કોલેજમાં મહિલા સુરક્ષાના મામલે ગંભીર ઘટના સામે આવી છે. બે સીનિયર વિદ્યાર્થી અને એક કોન્ટ્રાક્ટ પર કાર્યરત સ્ટાફે મળીને એક જૂનિયર વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
વિદ્યાર્થિની ફોર્મ ભરવા કોલેજમાં ગઈ હતી ત્યારે મુખ્ય આરોપી મોનોજિત મિશ્રાએ તેને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં લઇ જઈ રૂમ બંધ કરી દીધો. ત્યારબાદ સીનિયર વિદ્યાર્થી ઝેબ અહેમદ અને પ્રમિત મુખર્જી સાથે મળીને સાંજે સાતથી રાતે દસ વાગ્યા સુધી યુવાનીને ગોંધી રાખી ગેંગરેપ કર્યો. આરોપીઓએ ગુનાનો વીડિયો ઉતારી તેને ધમકી આપી કે જો કોઇને કહેશે તો વીડિયો લીક કરી દેશે.
પીડિતાએ કસ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત કાર્યવાહી કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટ દ્વારા ચાર દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર થયો છે.
આરોપીઓના રાજકીય સંબંધો સામે આવ્યા
મુખ્ય આરોપી મોનોજિત મિશ્રા પૂર્વ વિદ્યાર્થી હોવાથી કોલેજમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હતો અને વકીલાત પણ ચલાવતો હતો. માહિતી પ્રમાણે તે તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદનો ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં દક્ષિણ કોલકાત્તામાં સક્રિય સેક્રેટરી છે. તેના સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું છે કે તેનો અનેક રાજકીય નેતાઓ સાથે નિકટનો સંપર્ક છે.
લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારતા રેપ
પીડિતાના નિવેદન મુજબ આરોપીએ અગાઉ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીડિતાએ ઇનકાર કરી પોતાનો બોયફ્રેન્ડ હોવાની વાત કરી. આથી ગુસ્સે થયેલા આરોપીએ જાતિહિંસા અંજામ આપી. અહેવાલોમાં જણાવાયું છે કે એક આરોપીએ રેપ કર્યો જ્યારે બીજા બે આરોપીઓએ સહયોગ કરી વીડિયો બનાવ્યો. કાયદા પ્રમાણે સહયોગ કરનારાઓ પર પણ રેપનો જ ગુનો લગાવવામાં આવ્યો છે.
રાજકીય તણાવ અને વિરોધ પ્રદર્શનો
આ ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાને લઈ ભાજપ તથા કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનો એ તૃણમૂલ કોંગ્રેસ વિરોધી દેખાવો શરૂ કર્યા છે. એક વર્ષ પહેલાં આરજી કાર હોસ્પિટલમાં મહિલાના રેપ અને મર્ડરની યાદ તાજી થઈ ગઈ છે.