તિબ્બતના ધાર્મિક નેતા દલાઈ લામાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે દલાઈ લામાની પરંપરા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. બુધવારના રોજ મેક્લોડગંજ ખાતે આપેલા સંદેશમાં તેમણે જણાવ્યું કે ભવિષ્યના દલાઈ લામાના પુનર્જન્મને ઓળખવાની જવાબદારી ફક્ત ગાદેન ફોડરંગ ટ્રસ્ટ પર રહેશે, જે તેમના ઓફિસ દ્વારા સંચાલિત છે.
દલાઈ લામાએ 1969માં જ જાહેરમાં કહી દીધું હતું કે ભવિષ્યમાં દલાઈ લામાની પરંપરા ચાલુ રહે કે નહીં તેનો નિર્ણય તિબ્બતના લોકો અને સંબંધિત સમાજ કરશે. તેમણે 2011ના ઐતિહાસિક સંમેલનનું પણ સ્મરણ કર્યું, જેમાં આ મુદ્દો પહેલીવાર ઉઠાયો હતો.
તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ 90 વર્ષના નજીક પહોંચશે ત્યારે વરિષ્ઠ લામા અને તિબ્બતિ જનતાને સાથે રાખીને ફરી એકવાર આ મુદ્દે વિચાર વિમર્શ કરશે. છેલ્લા 14 વર્ષમાં તિબ્બતના ધાર્મિક અને સામાજિક સંગઠનો, બૌદ્ધ અનુયાયીઓ અને વિશ્વભરના સમાજોએ તેમને વિનંતી કરી હતી કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રાખવામાં આવે.
આ તમામ વિનંતીઓને માન આપી દલાઈ લામાએ કહ્યું છે કે આગામી દલાઈ લામાની ઓળખ પરંપરાગત રીત અને ધર્મ રક્ષકોના માર્ગદર્શન હેઠળ જ થશે અને કોઈ પણ રાજકીય શક્તિ, ખાસ કરીને ચીન સરકાર, આ પ્રક્રિયામાં દખલ કરી શકશે નહીં.
તેઓએ કહ્યું કે, “આ નિર્ણય અને ઓળખવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે તિબ્બતિ ધર્મ ગુરુઓના હકમાં છે. કોઈ સરકાર કે સંસ્થા વચ્ચે ન આવી શકે.”
કોણ છે દલાઈ લામા?
દલાઈ લામા તિબ્બતિ બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા છે. તેમને અવલોકિતેશ્વરનો અવતાર માનવામાં આવે છે. તેમના પુનર્જન્મની પરંપરા સદીઓથી ચાલે છે અને નવી દલાઈ લામાની ઓળખ અને માન્યતા કડક ધાર્મિક વિધિ દ્વારા થાય છે.
ચીન સરકારે પહેલેથી સંકેત આપ્યા છે કે તે પોતે આગામી દલાઈ લામાને નક્કી કરશે, જેને દલાઈ લામા સહિત સમગ્ર તિબ્બતિ સમુદાયે પૂરેપૂરો ખંડન કર્યું છે.