ભારત અને અમેરિકા વચ્ચે અગત્યના વેપાર કરારના વાટાઘાટો વોશિંગ્ટનમાં અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI) એ ચેતવણી ઉચ્ચારી છે કે કોઈપણ કરાર ભારત માટે સમતુલિત હોવો જોઈએ અને રાજકીય પ્રેરિત ન હોવો જોઈએ.
GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, “કોઈપણ કરાર આપણા ખેડૂતો, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને નિયમનકારી સાર્વભોમતાનું રક્ષણ કરનારો હોવો જોઈએ.“
આ વાટાઘાટો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ આયાત પર ટેરિફ મુદત 9 જુલાઈ સુધી સ્થગિત કરી હતી. જો આ પહેલા કરાર ન થાય તો ભારતમાં આવેલા નિકાસ પર ઓછામાં ઓછા 10% ટેરિફ લાગુ થવાનો જોખમ છે, જે પહેલાની 26% ટેરિફની શક્યતા કરતાં ઓછું ગંભીર છે.
ટેરિફ ઘટાડાની શક્યતા
GTRIના અંદાજ પ્રમાણે, ભારત પ્રારંભિક કરારમાં ઓટોમોબાઈલ સહિતના કેટલાક ઔદ્યોગિક માલસામાન પર ટેરિફ ઘટાડવા તૈયાર થઈ શકે છે. સાથે જ કૃષિ ક્ષેત્રમાં ટેરિફ ક્વોટા રાખી મર્યાદિત બજાર પ્રવેશ આપવાની ચર્ચા છે.
તદુપરાંત, ઈથેનોલ, સફરજન, બદામ અને અવાકાડો પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે ચોખા, ઘઉં અને ડેરી પ્રોડક્ટ્સમાં ભારત સખત વલણ જાળવી શકે છે કારણ કે આ ઉત્પાદનો આપણા ગ્રામ્ય અર્થતંત્ર માટે અતિમહત્વપૂર્ણ છે.
રાજકીય સંવેદનશીલતા સાથે વાટાઘાટો
અધિકારીઓના જણાવ્યા મુજબ, બન્ને દેશો વચગાળાનો કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આ મુદ્દા પર વિસ્તૃત સહમતિ આગળ વધારી શકાય. વોશિંગ્ટનમાં ચાલી રહેલી બેઠકમાં કૃષિ અને ડિજિટલ ક્ષેત્રનું રક્ષણ ભારત માટે અગત્યનું રહેશે.